ગંગા ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહિલા અધિકારો અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ગંગા ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહિલા અધિકારો અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા સમાજમાં માનવ અધિકારો અને મહિલા સંબંધિત કાયદાકીય જાગૃતિના પ્રસાર-પ્રચારના હેતુથી તા. ૨૨/૦૭/૨૦૨૫ના રોજ ગંગા ગર્લ્સ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એલએલ.એમ.અભ્યાસક્રમના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગંગા ગર્લ્સ હોસ્ટેલમાં નિવાસ કરતી વિદ્યાર્થિનીઓને "માનવ અધિકાર અને મહિલા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ" વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં ભારતીય બંધારણ દ્વારા મહિલાઓને પ્રદાન કરવામાં આવેલા મૂળભૂત અધિકારો, મહિલાઓના સંરક્ષણ માટે અમલમાં રહેલા વિવિધ કાયદાઓ, કાર્યસ્થળ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓના અધિકારો, મહિલા સુરક્ષા, સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો તથા કાયદાકીય સહાય મેળવવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા અને માનવ ગૌરવના સંરક્ષણ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગંગા ગર્લ્સ હોસ્ટેલના રેક્ટરશ્રી ડૉ. રેખાબા જાડેજા, માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા, વિભાગના અધ્યાપક ડૉ. સાગર અમીપરા તથા સંશોધન વિદ્યાર્થિની સોનલબેન તાવીયાડ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓને તેમના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત રહેવા તથા સમાજમાં મહિલાઓના સન્માન અને સમાનતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં ગંગા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા અધિકારો સંબંધિત વિવિધ પ્રશ્નો તથા મુદ્દાઓ અંગે સક્રિય ચર્ચા કરીને કાર્યક્રમને વધુ અસરકારક બનાવ્યો હતો.

કાર્યક્રમના સફળ આયોજનમાં ગંગા ગર્લ્સ હોસ્ટેલના સ્ટાફ બહેનો તેમજ એલએલ.એમ.ની વિદ્યાર્થીનીઓ દ્વારા નોંધપાત્ર આયોજનાત્મક યોગદાન આપવામાં આવ્યું હતું.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં માનવ અધિકારો, મહિલા સશક્તિકરણ, કાયદાકીય જાગૃતિ અને બંધારણીય મૂલ્યોના પ્રસાર-પ્રચાર માટે સમયાંતરે આવા વિસ્તરણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને કાયદા પ્રત્યે જાગૃત નાગરિક તરીકેની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

22-07-2025